વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સયાજીનગર ગૃહની સામે મુખ્ય રોડ પર બની હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા સાથે બાઝી પડ્યા હતા અને રસ્તા પર જ મારામારી કરવા લાગ્યા હતા. તપાસ બાદ એવું જાણવા મળ્યું છે કે મારામારીમાં સંડોવાયેલા આ વિદ્યાર્થીઓ જીઇબી સ્કૂલમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓના આ જાહેરમાં થયેલા ઝઘડાને કારણે થોડા સમય માટે ટ્રાફિક અને સામાન્ય લોકો માટે અગવડ ઊભી થઈ હતી.
રાહદારીઓએ મામલો શાંત પાડ્યો
વિદ્યાર્થીઓ વચ્ચેની આ મારામારી એટલી હદે વધી ગઈ કે આસપાસમાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ વચ્ચે પડવાની ફરજ પડી હતી. રાહદારીઓએ દરમિયાનગીરી કરીને આ વિદ્યાર્થીઓને અલગ પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જાહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના વર્તનથી કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સવાલ પણ ઊભો થયો છે.













