વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઝવેરપૂરા ગામમાં એક યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાંથી મળી આવેલા મૃતદેહ સાત દિવસ પહેલા ગુમ થયેલી આરતી પરમાર નામની યુવતીનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરતી પરમારનો સાત દિવસ બાદ મૃતદેહ મળ્યો
મળતી જાણકારી અનુસાર, આરતી પરમાર સાત દિવસ પહેલા પશુ ચરાવવા માટે ગામની સીમમાં ગઈ હતી ત્યારબાદ તે ઘરે પરત ફરી નહતી. પરિવારજનોએ તેની શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા પણ શોધખોળ ચાલુ હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહતો. આખરે, ગુરુવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ ગામની સીમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો જેના કારણે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતદેહ જે સ્થિતિમાં મળી આવ્યો છે તેના કારણે અનેક શંકાઓ ઉભી થઇ છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસે જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એંગલથી તપાસ કરી રહી છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન છે કે કેમ, તે અંગે પણ ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પોલીસે આરતીના પરિવારજનો અને ગામના અન્ય લોકોની પૂછપરછ પણ શરૂ કરી છે. આરતીનો કોઈ સાથે ઝઘડો થયો હતો કે કેમ, તેવા દરેક પાસાઓની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.