વડોદરામાં ગેરકાનૂની પ્રવૃત્તિમાં વધારો થવા લાગ્યો છે. સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં દારૂની રેલમછેલ જોવા મળી. શહેરના છાણી વિસ્તારમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યો. છાણી વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ રંગેહાથ ઝડપાયા. પોલીસે વિદેશી દારૂની બોટલના માલ સાથે 15 નબીરાઓ ઝડપ્યા.


દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો

મળતી માહિતી મુજબ શહેરના છાણી વિસ્તારમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસની બાતમી મળી હતી. જેના બાદ પોલીસે બાતમીના આધારે આ વિસ્તારમાં તપાસ કરતા સહયોગ બંગ્લોઝ B1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની નક્કર માહિતી મળી. આ બાતમીના આધારે પોલીસે સહયોગ બંગલોઝ પર રેડ પાડી. પોલીસે પાડેલ દરોડામાં સહયોગ બંગલોઝમાં 15 જેટલા લોકો વિદેશી દારુ પીતા હતા. મહેફિલ માણતા નબીરાઓને પોલીસે રંગેહાથ ઝડપ્યા.

મુદામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે છાણી વિસ્તારમાં પાડેલ દરોડામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 4 બોટલો અને એક ખાલી બોટલ પકડી. તેમજ નબીરાઓની અટકાયત કરતા 4 બાઈક તેમજ 15 મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. કહેવાતી સંસ્કારી નગરી વડોદરામાં દારૂની મહેફિલના દોર વધ્યા છે. અગાઉ પણ વડોદરામાંથી દારુની મહેફિલ માણતા 11 નબીરાઓ ઝડપાયા હતા. તેમજ એક કિસ્સામાં તો પૂર્વ કાઉન્સીલરના પુત્રની સગાઈ બાદ દારુની મહેફિલ યોજાતા 9 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

  • Follow us on: