વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા નટુભાઈ સર્કલ પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ રીતે દોડતી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા એકસાથે ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તેણે બેફામ ડ્રાઇવિંગ કરી આ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોને મોટું નુકસાન થતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
લોકોએ કાયદો હાથમાં લીધો, આરોપીને પહોંચી ઈજા
અકસ્માત બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ બેફામ કારચાલક સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠીયાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, "લોકોએ કાયદો હાથમાં લઈને આરોપી હર્ષ કશ્યપ સાથે હાથાપાઈ કરી હતી." પીઆઈ લાઠીયાના જણાવ્યા અનુસાર, લોકોએ કરેલી હાથાપાઈમાં આરોપી હર્ષ કશ્યપને ઈજાઓ પણ પહોંચી છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડ્યા હતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત કરી હતી.













