વડોદરાના વડસર અને કોટેશ્વર ગામમાં દર ચોમાસે પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષનું મુખ્ય કારણ એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી નદીને પહોળી કરવા સહિતના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હોવા છતાં, પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. કરોડોના ખર્ચ બાદ પણ ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ફરી વળે છે, જે સત્તાધીશોની કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
ખર્ચા આડેધડ અને નાળું શોભાના ગાંઠિયા સમાન
કોર્પોરેશનની કામગીરી સામે આક્ષેપો કરતાં લોકોએ જણાવ્યું હતું કે, અગાઉ ₹60 લાખના ખર્ચે બનાવવામાં આવેલું નાળું આજે શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે અને પાણીના નિકાલ માટે તે નિષ્ફળ રહ્યું છે. આ નિષ્ફળતા છતાં, કોર્પોરેશન હવે તે જ નાળા ઉપર ₹16 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, જેના કારણે સત્તાધીશો આડેધડ ખર્ચ કરી રહ્યા હોવાના સીધા આક્ષેપો થઈ રહ્યા છે. આટલો મોટો ખર્ચ કરવા છતાં જો સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે તો પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.













