ગુજરાતમાં દિવાળીના સમયમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. તહેવારોમાં જ રોડ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વડોદરાના જરોદ પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી યુપી પ્રસંગમાં જતા પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. આ પરિવારની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડને અથડાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં કાર ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી

આ અકસ્માતમાં કાર ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ભારે જહેમત બાદ કારને નીચે ઉતારી હતી. કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અકસ્માત બાદ સમગ્ર રોડ પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે મૃતકના પીએમ માટેની તજવીજ હાથ ધરાઈ હતી.

પરિવાર મુંબઈથી ઉત્તર પ્રદેશમા લગ્ન પ્રસંગે જતો હતો

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલો પરિવાર મુંબઈથી ઉત્તર પ્રદેશમા લગ્ન પ્રસંગે જતો હતો. આ દરમિયાન જરોદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી. પરિવાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહ લઈને પરત મુંબઈ રવાના થયો હતો. આ અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું હતું. આ બનાવને લઈને જરોદ પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Follow us on: