દિવાળીના તહેવારની ખુશી વચ્ચે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો છે. જેમાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સીમલીયા ગામ નજીક બની હતી. મૃતક યુવકો સહિત સાત મિત્રો દિવાળીનો તહેવાર ઉજવવા માટે પોતાના વતન સીમલીયા ગામ આવ્યા હતા. આ યુવાનો બહાદરપુરાથી ડભોઈ તરફ ચા પીવા જઈ રહ્યા હતા.
બાહદરપુરાથી ચા પીવા જતા મળ્યું મોત
ત્યારે સીમલીયા ગામ પાસે તેમની કારે અચાનક કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં વ્રજ શાહ અને દર્પણ વાળંદ નામના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિવાળીના સમયે જ બે યુવકોના મોતના સમાચાર મળતા તેમના પરિવારોમાં ગમગીની છવાઈ ગઈ છે. જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.













