વડોદરામાં લૂંટ અને ચોરીના બનાવો વધવા લાગ્યા છે. શહેરમાં બેખોફ બનેલા તસ્કરો પર પોલીસ ત્રાટકી. મંજુસર પોલીસે સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો. સાવલીમાં સોનાની તસ્કરી કરતી ટોળકીને ઝડપી પોલીસે 1.81 કરોડનો ગોલ્ડ પાઉડર જપ્ત કર્યો. તસ્કરોની દાણચોરીના તાર દુબઈ સુધી લંબાયા હતા. પોલીસે બાતમીના આધારે દાણચોરીનું પગેરું મેળવ્યું. અને સોનાની દાણચોરી કરનાર ત્રણ તસ્કરોની અટકાયત કરી. 


દાણચોરી કરનાર તસ્કરો પર પોલીસ ત્રાટકી

કહેવાય છે કે ચોરની ચાર આંખ હોય છે. પરંતુ કાનૂનના હાથ પણ લાંબા છે તેવું મંજુસર પોલીસે સાબિત કર્યું. દુબઈથી વડોદરાના સાવલીમાં સોનાની દાણચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો. તસ્કરો દ્વારા પોતાના સામાનમાં દુબઈથી સોનાનો પાવડર ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો. પોલીસે બાતમીના આધારે દાણચોરી કરનાર ત્રણ ઈસમો કે જેઓ અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે ઉપર આવતા હતા ત્યાં જ ઝડપી પાડવામાં આવ્યા.

પોલીસે કરોડોની કિમંતનો માલ જપ્ત કર્યો

મંજુસર પોલીસને અમદાવાદ-વડોદરા હાઇવે પરથી ત્રણ લોકોને ઝડપી પાડ્યા. દુમાડ ચોકડી નજીકથી પકડાયેલા આરોપીઓ પાસેથી મોંઘા ઇંગ્લિશ દારૂ, ઈ-સિગારેટ પણ મળી આવી. કલાલી-બિલ રોડનો અશોક પ્રજાપતિ નામનો શખ્સ કે જે દુબઈથી સોનાના પાવડરને ગેરકાયદેસર ભારતમાં લાવી વેચાણ કરાવતો હતો તે ઉપરાંત તેના બે સાથીદારને પોલીસે ઝડપી કરોડોની કિમંતના સોનાનો પાઉડર પણ જપ્ત કર્યો. સમગ્ર મામલે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી

શહેરમાં લૂંટફાટ અને ચોરીના બનાવો વધ્યા છે. જુદા-જુદા વિસ્તારમાં અનેક વખત રહીશોને બાનમાં લઈ સોનાની ચોરી કરાય છે તો કયારેક બંધ મકાનમાંથી સોના અને ચાંદીના દાગીનાની તસ્કરી કરવામાં આવે છે. તસ્કરો શહેરમાં બેખોફ બની લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જો કે આવા તસ્કરો પર પોલીસની પણ બાજ નજર રહેતી હોય છે અને નક્કર માહિતી મળતાં જ તેમને સંકજામાં લે છે. અગાઉ બંધ મકાનને નિશાન બનાવી રૂ. 4.71 લાખ કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.

  • Follow us on: