વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલા શ્રી રંગસેતુ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે રાજપીપળા કલેક્ટરે તાત્કાલિક જાહેરનામું બહાર પાડ્યું છે. આ કડક નિર્ણય સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત અહેવાલની સીધી અને ત્વરિત અસર રૂપે લેવામાં આવ્યો છે, જેમાં બ્રિજની જર્જરિત હાલત અને સંભવિત જોખમ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું.
સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર
સંદેશ ન્યૂઝે શ્રી રંગસેતુ બ્રિજ પરથી બેફામ રીતે પસાર થતા ભારે વાહનો અને તેના કારણે બ્રિજને થઈ રહેલા નુકસાન અંગે વિસ્તૃત અહેવાલ દર્શાવ્યો હતો. આ અહેવાલે તંત્રને સફાળું જગાડ્યું છે. નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, સત્તાધીશોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. આ શ્રી રંગસેતુ બ્રિજ ડભોઇ, રાજપીપળા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) જેવા મહત્વના સ્થળોને જોડે છે, જેના કારણે તેના પર વાહનોનો ભારે ધસારો રહે છે. ખાસ કરીને ભારે વાહનોના સતત પસાર થવાથી બ્રિજની સ્થિતિ દયનીય બની હતી.
પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો
જાહેરનામું બહાર પડ્યા બાદ, બ્રિજ પર તાત્કાલિક ધોરણે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે, જેથી ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થતા અટકાવી શકાય. આ પગલું બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળવા માટે અત્યંત આવશ્યક હતું. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી પત્રકારત્વની આ સક્રિયતાને કારણે હજારો લોકોનો જીવ અને કરોડો રૂપિયાનો બ્રિજ બચાવવામાં મદદ મળી છે.