વડોદરાના જરોદમાં દારુ સગેવગે મુદ્દે વડોદરા ગ્રામ્યના નવા એસપીએ કાર્યવાહી કરી છે, ડી સ્ટાફ સહિત પાંચ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે, અને ઝડપાયેલા કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરતા કાર્યવાહી કરવામાં આવી છે, બુટલેગરને બોલાવી કન્ટેનરમાંથી દારૂ સગેવગે કર્યો હતો, કન્ટેનરમાંથી ખાનગી ગાડીમાં દારૂ લઇ જવાયો હતો અને વડોદરાના હાલોલ રોડ પરથી ઝડપાયો હતો દારૂનો જથ્થો, તો 39.65 લાખના દારૂનો જથ્થા સાથે 2ની ધરપકડ કરી હતી.


લોકલ PIની સીધી સંડોવણી ન હોવાથી LRમાં મૂકાયા

જરોદ પોલીસે 4 ઓગસ્ટે વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઈવે પર આસોજની સીમમાંથી કન્ટેનરમાંથી રૂ.૩૯.૬૫ લાખનો દારૂ ઝડપ્યો હતો. જે બાદ કન્ટેનરને ચોક્કસ જગ્યાએ લઈ જવાયું અને મંજુસર-વાઘોડિયાના ત્રણ બૂટલેગરોને સ્થળ પર બોલાવાયા હતાં. પોલીસના કેટલાક માણસોએ માનીતા બૂટલેગરોને દારૂની કેટલીક પેટીઓ પધરાવી હતી. જેનો એક વીડિયો વાયરલ થતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. રેલો આવતા અગાઉના SP રોહન આનંદે તપાસ બરોડા ડિવિઝનના DySPને સોંપી હતી.

આ કેસની તપાસ વાઘોડિયા પોલીસને સોંપાઈ હતી

જિલ્લા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં જરોદના પીઆઇ એમ.આર.ચૌધરીની સીધી સંડોવણી તપાસમાં બહાર આવી નથી. જેથી તેમનો ઓર્ડર લીવ રિર્ઝવમાં કરાયો છે. અત્રે નોંધનીય છે કે, આ મામલે હજુ આંતરિક તપાસ ચાલી રહી છે. જરોદની હદમાંથી વગે કરાયેલ દારૂ કાંડનો ઘટસ્ફોટ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી. બુટલેગરોને અપાયેલો દારૂ ભેગો કરી એક ખેતરમાં નાશ કરાયો હોવાની વાત વહેતી થઈ હતી. આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ દાખલ થઈ હતી. જેની તપાસ વાઘોડિયા પોલીસને સોપાઈ હતી. આ મામલે પોલીસે FSL પાસે તપાસ કરાવી હતી.

એસપીએ ડી સ્ટાફના 5 માણસોને સસ્પેન્ડ કર્યા

DySPએ દ્વારા પીઆઈ, પાંચેય કોન્સ્ટેબલો, જે તે સમયના પીએસઓ અને ક્રાઈમ રાઈટર હેડની પૂછપરછ કરાઈ હતી. દરમિયાન SP રોહન આનંદની બદલી થઈ અને નવા SP તરીકે સુશિલ અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો. SPએ ચાર્જ લીધાના નવમાં દિવસે દારૂ પ્રકરણમાં આકરા પગલા લીધાં છે. જે અંતર્ગત પીઆઈ એમ.આર.ચૌધરીને લીવ રિઝવમાં મુકાયા છે. આ ઉપરાંત ડી-સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ હાથીસિંહ, મહેશભાઈ અરવિંદભાઈ, વિપુલકુમાર શિવશંકર તથા પોલીસ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ રણછોડભાઈ અને કુલદીપસિંહ જનકદાનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

  • Follow us on: