વડોદરામાં ગુનાહિત પ્રવૃત્તિ રોકવા પોલીસ સતત બાજ નજર રાખી રહી છે. શહેરમાં હરણી વિસ્તારમાં એક નિવૃત્તિ શિક્ષિકાને ચૂનો લગાવી ઠગ ત્રિપુટી ફરાર થઈ ગઈ. નિવૃત્ત શિક્ષિકાએ આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક આ ત્રિપુટીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને સફળતા મળી અને થોડા જ સમયમાં નિવૃત્ત શિક્ષિકા સાથે છેતરપિંડી કરનાર ઠગ ત્રિપુટી ઝડપાઈ.
નિવૃત્ત શિક્ષિકા સાથે ઠગાઈ
મળતી માહિતી મુજબ આ ઠગ ત્રિપુટીએ ત્રણ દિવસ પહેલા નિવૃત્ત શિક્ષિકા મીનાબેન પંચાલને સરનામું પૂછવાના બહાને ભોળવી લીધા. આ ઠગ ટોળકીએ મીનાબેનને સરનામું પુછવાના બહાને વાતચીત કરી શીશામાં ઉતાર્યા બાદ તેમને કહ્યું કે તમારે ઘરમાં સુખ સંપત્તિ જોઈતી હોય તો તમારા દાગીના અમને આપી દો. મીના બેન પણ તેમની વાતમાં આવી જઈ પોતાના સોનાના દાગીના આ ઠગ ટોળકીને આપી દીધા પછી આ ટોળકીએ તેમને સોનાના દાગીના ઉતરાવી આગળના સર્કલ સુધી ચાલીને પરત આવવા જણાવ્યું.
ઠગ ટોળકી ઝડપાઈ
નિવૃત્ત શિક્ષિકા મીનાબેને આ ઠગ ઠોળકીના કહ્યા મુજબ કર્યા બાદ પરત આવ્યા ત્યારે મહિલા સહિત ત્રિપુટી ગાયબ થઈ ગઈ હતી. ત્યારે તેમને ભાન થયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેના બાદ તેમણે હરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. નિવૃત્ત શિક્ષિકાની ફરિયાદને પગલે ક્રાઈમ બ્રાન્ચે ઠગ ટોળકીને શોધવા તજવીજ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ વિસ્તારના સીસીટીવી ચેક કર્યા અને પોતાના બાતમીદારોને સક્રિય કર્યા હતા. આખરે ઠગ ટોળકીનો પત્તો લાગ્યો.
પોલીસે હાથ ધરી તપાસ
નિવૃત્ત શિક્ષિકા સાથે છેતરપિંડી કરનાર ઠગ ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી. ક્રાઈમ બ્રાન્ચે સુરત ખાતે રહેતા દંપત્તિ ઈકબાલ શેખ અને સલમા શેખ સહિત ઠગ ત્રિપુટીને ઝડપી પાડ્મયા. પોલીસે ઠગ ટોળકી મહિલાના દાગીના 5 લાખ ઉપરાંતના દાગીના સહિત 6 લાખ 68 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીની વધુ કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ.