વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. વડોદરાના વ્યસ્ત ગણાતા વાઘોડિયા ચોકડી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે સરેઆમ ફાયરિંગની સળગતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોટરસાયકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ એક યુવકને નિશાન બનાવીને અંધાધૂંધ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ યુવક મુળ દિલ્હીનો અને વેપારી હોવાનું જાણવા મળે છે
હુમલાખોરોએ પિસ્તોલમાંથી ગોળીઓ છોડવાનું શરૂ કર્યું
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઈજાગ્રસ્ત યુવક પોતાની કાર લઇને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સવાર બે શખ્સો તેનો પીછો કરતા ત્યાં ધસી આવ્યા હતા. યુવક કંઈ સમજે તે પહેલા જ હુમલાખોરોએ પિસ્તોલમાંથી ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું હતું.એક ગોળી યુવકના ખભાના ભાગે વાગતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.
યુવકને હોસ્પિટલ ખસેડાયો
આ ઘટનાને અંજામ આપીને બાઇક સવાર શૂટર્સ ઘટનાસ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં રહેલા યુવાનને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કાફલો દોડી આવ્યો
ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાકાબંધીના આદેશ આપ્યા છે. જો કે, આ અંધાધૂંધ ફાયરિંગ પાછળનું સાચું કારણ અંગત અદાવત છે, નાણાકીય લેણદેણ છે કે પછી કોઈ ગેંગવોર, તે હજી સુધી અકબંધ છે. હાલમાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજના આદારે ફરાર શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર