વલસાડના અબ્રામા વિસ્તારમાં લીવ ઈન રિલેશનશીપનો કરુણ અંજામ આવ્યો છે. જમવાનું બનાવવાની બાબતમાં લિવ ઈનમાં રહેતા પુરુષ મિત્રએ મહિલાની માર મારીને જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયો હતો, આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ પુરુષ મિત્રની ધરપકડ કરી લીધી છે. માત્ર જમવાનું બનાવવાની બાબતમાં મહિલાની હત્યા કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. ત્યારે શું છે સમગ્ર હકીકત જોઈએ આ વિશેષ અહેવાલમાં.
મહિલાને બેરહેમી પૂર્વક ઘરમાં જ માર માર્યો
વલસાડના છેવાડે આવેલા અબ્રામા વિસ્તારમાં એક મહિલાની સાથે રહેતા તેના પુરુષ મિત્રએ હત્યા નીપજાવી હતી. જાહેર રસ્તા પર જીવલેણ માર મારી મહિલા મિત્રની હત્યા કરનારા આરોપીને ગણતરીના સમયમાં જ વલસાડ સીટી પોલીસે ઝડપી પાડયો છે. નવીનગરીમાં રહેતા મનીષાબેન કલ્પેશભાઈ કુકણાની હત્યા નિપજાવવામાં આવી હતી. મનીષાબેન કુકણાની તેમની જ સાથે તેમના ઘરમાં રહેતા તેમના પુરુષ મિત્રએ જ હત્યા કરી હતી. મનીષાબેન પરણિત હતા. પરંતુ વર્ષ 2023માં તેમના પતિ કલ્પેશ કુમાર કુકણાનું અવસાન થયું હતું અને મૃતક મહિલાને બે સંતાનો પણ હતા. જો કે તેઓ માતાથી અલગ રહેતા હોવાથી મનીષા બેન કુકના ભાવેશ રાઠોડ નામના તેના સાથી પુરુષ મિત્ર સાથે રહેતા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત નિપજ્યું
જોકે બંને વચ્ચે થયેલી બબાલમાં આવેશમાં આવી ભાવેશ રાઠોડે મનીષા બેનને બેરહેમી પૂર્વક ઘરમાં જ માર માર્યો હતો અને ત્યારબાદ માર મારતા મનીષાબેન દોડીને બહાર આવી જતા બહાર પણ ભાવેશ રાઠોડે જાહેર રસ્તા પર તેમને જીવલેણ માર માર્યો હતો. આથી ગંભીર ઈજાગ્રસ્ત થયેલા મનીષા બેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ભાવેશ રાઠોડની ધરપકડ કરીને તેની વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી અત્યારે પોલીસ પકડમાં
હત્યારો આરોપી ભાવેશ રાઠોડ દારૂનો વ્યસની હતો .આથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. આજુબાજુના લોકો પણ ભાવેશ રાઠોડના ત્રાસથી પરેશાન હતા. વાતવાતમાં આવેશમાં આવી અને ભાવેશ રાઠોડ આજુબાજુ રહેતા લોકોને પણ પરેશાન કરતો હતો. જો કે પોલીસે આ મામલામાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ હજુ સુધી હત્યાનું કારણ જણાવ્યું નથી. પરંતું ચાલતી ચર્ચા મુજબ જન્માષ્ટમીની રાત્રે જમવાનું બનાવવા બાબતે મનીષા કુકણા અને તેના પુરુષ મિત્ર ભાવેશ રાઠોડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સામાન્ય બાબતે મનીષા પર ભાવેશે જીવલેણ હુમલો કર્યો હતો અને તેની હત્યા નીપજાવી હતી. વર્તમાન સમયમાં ઘરેલુ કંકાસ અને આડા સંબંધો ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આ કિસ્સામાં પણ એક વિધવા મહિલાની તેની જ સાથે રહેતા તેના પુરુષ મિત્રએ બેરહેમી પૂર્વક હત્યા કરી હતી, આરોપી અત્યારે પોલીસ પકડમાં છે. જેની પૂછપરછ કરી પોલીસે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.