વલસાડ જિલ્લાના વાપીના નામધા વિસ્તારમાં દસ દિવસ અગાઉ એક બિલ્ડીંગના ફ્લેટમાંથી ચોરી થઈ હતી.ચોરી કરનાર ઇસમ બિલ્ડિંગમાં ઉપરના માળે ફ્લેટની બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિત અંદાજે પોણા બે લાખથી વધુની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.ચોરીની આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસ દોડતી થઈ હતી.


ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી

આરોપી સુધી પહોંચવા વાપી ટાઉન પોલીસ અને વલસાડ એલ.સી.બી એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ફરાર આરોપીને ઝડપવા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી.વાપીથી મુંબઈ સુધીના 200 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસના અંતે પોલીસને જાણ થઈ કે આ મામલામાં મહારાષ્ટ્રના થાણા વિસ્તારમાં રહેતો એક આરોપી આ ચોરીમાં સામેલ છે.તેના અંગે તપાસ કરતા વલસાડ એલસીબીની ટીમ આરોપીનું પગેરૂ મેળવી મધ્યપ્રદેશના રતલામ પહોંચી હતી. જ્યાં પોલીસે ચોરી કરનાર સુમન ઉર્ફે સોનુ ગુલ્લુની ધરપકડ કરી તેને વલસાડ લાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા 7 જેટલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

આરોપી સુમન ઉર્ફે સોનું ગુલ્લુ થાણા વિસ્તારમાં રહે છે

આરોપી સુમન ઉર્ફે સોનું ગુલ્લુ થાણા વિસ્તારમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી આરોપીએ વાપી અને વલસાડ જિલ્લામાં પણ ચોરીઓને અંજામ આપી જિલ્લા ભરની પોલીસને દોડતી કરી દીધી હતી. પરંતુ છેલ્લે આરોપીએ વાપીના નામધામાં ચોરી કરતા ગણતરીના દિવસોમાં જ વલસાડ પોલીસે આરોપીને મધ્યપ્રદેશના રતલામથી ઝડપી અહીં લાવી આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા હકીકત બહાર આવી હતી.આરોપી ગુનાઓની દુનિયામાં સ્પાઈડર મેન તરીકે કુખ્યાત હતો. તેની સાથે કોઈ ગેંગ નહીં પરંતુ પોતે એકલો જ વન મેન ગેંગ હોય તેવી રીતે ચોરી કરીને ફરાર થઈ જતો હતો.

પાઈપ લાઈન પકડીને બિલ્ડિંગો ઉપર ચડતો હતો

મોટે ભાગે આરોપી હાઇરાઇઝ બિલ્ડીંગોની સીડી કે લિફ્ટ દ્વારા નહીં પરંતુ આ બિલ્ડીંગોની ગટરની કે ગેસની પાઇપલાઇન દ્વારા સ્પાઇડરમેનની જેમ તેની ઉપર ચડીને ઘરોમાંથી ચોરી કરીને ફરાર થઈ જતો હતો.આથી ગુનાઓની દુનિયામાં સ્પાઇડરમેન તરીકે ઓળખાતો. સ્પાઇડરમેન સુમન ઉર્ફે સોનું ગુલ્લુની ધરપકડ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં પોલીસ એ આરોપી ને ઘટના સ્થળ પર લઇ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અન્ય કયા કયા ગુનાઓ તાજેતરમાં આચર્યા એ સંદર્ભે પોલીસે આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: