વલસાડના વાંકલ ગામે એક તરફી પ્રેમ પ્રકરણ અને છેડતીની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.પોતાની સાળીને ફોન પર પરેશાન કરતા શખ્સને સમજાવવા ગયેલા બનેવી પર ઉશ્કેરાયેલા શખ્સે ચપ્પુ વડે હુમલો કરી જીવ લીધો હતો.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાંકલ ગામે મરલા ગામનો વતની કુણાલ પટેલ નામનો યુવક એક શખ્સને સમજાવવા માટે ગયો હતો.વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને સામે વાળા શખ્સે આવેશમાં આવી જઈ કુણાલ પટેલને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.ગંભીર રીતે ઘવાયેલા કુણાલને તાત્કાલિક ધરમપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રણજીત નાયકા નામનો શખ્સ હેરાન કરતો હતો
વલસાડ ડીવાયએસપી એ.કે. વર્માએ કહ્યું હતું કે, આ ઘટનામાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યા પાછળનું મુખ્ય કારણ પ્રેમ તકરાર અને છેડતી હતી.મૃતક કુણાલ પટેલની સાળી અને ફરિયાદી રાહુલ પટેલની બહેનને વાંકલ ગામનો રણજીત નાયકા નામનો શખ્સ અવારનવાર ફોન અને મેસેજ કરીને પરેશાન કરતો હતો.આ બાબતે ઠપકો આપવા અને સમજાવવા માટે મૃતક કુણાલ,તેનો સાળો રાહુલ અને તેમના મિત્રો વાંકલ ગામે રણજીત પાસે ગયા હતા.
આરોપી રણજીત નાયકાની ધરપકડ
રણજીત સમજવાને બદલે ઉગ્ર બની ગયો હતો અને પોતાની પાસે રહેલા હથિયાર વડે કુણાલ પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક કુણાલના સાળા રાહુલ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ હત્યા કરનાર મુખ્ય આરોપી રણજીત નાયકાની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ દરમિયાન છેડતી અને પ્રેમ પ્રકરણની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું કબૂલ્યું છે.હાલ પોલીસ આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Gir Gadhada માં હૃદયદ્રાવક ઘટના, પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે ગળી ઝેરી દવા