વલસાડ શહેરમાં એક જ રાત્રીમાં અલગ-અલગ ચાર સ્થળોએ ઘરફોડ ચોરી અને ચોરીના પ્રયાસની ઘટનાઓએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. આ પડકારજનક કેસમાં વલસાડ પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી અને સચોટ બાતમીના આધારે આંતરરાજ્ય ઘરફોડ ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવવામાં આવી છે.
ઓપરેશનની વિગત
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે રાત-દિવસ એક કર્યા હતા. તપાસ દરમિયાન વલસાડ પોલીસે રાજ્યના 10થી વધુ જિલ્લાઓમાં 250થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. એટલું જ નહીં, 40થી વધુ ટોલનાકાઓનો ડેટા ખંગાળવામાં આવ્યો હતો અને 500થી વધુ શકમંદોની હિલચાલ પર સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું. આ મેરેથોન તપાસના અંતે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી.













