દાદરા અને નગર હવેલીમાં એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. જ્યાં નવા પંચાયત ભવન નજીક હર્ષ કોમ્પ્લેક્સ સામેના રસ્તા પરથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.
નવા પંચાયત ભવનની નજીક હર્ષ કોમ્પ્લેક્સ સામેની ઘટના
આ મામલે પોલીસ માટે ઘણા પ્રશ્નો ઊભા થયા છે જેવા કે નવજાત શિશુનું મૃત્યુ કેવી રીતે થયું? તેનો મૃતદેહ રસ્તા પર કેવી રીતે પહોંચ્યો? અને આ નિર્દોષ બાળકીના મૃત્યુ પાછળ કોણ જવાબદાર છે? પોલીસે આ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી કોઈ પુરાવા મળી શકે. આ ઉપરાંત પોલીસે આસપાસની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં પણ તપાસ હાથ ધરી છે કે તાજેતરમાં કોઈ પ્રસૂતિ થઈ છે કે કેમ.













