દાહોદમાં ખાતરની અછત વચ્ચે મોટા ઘટસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો. ખેડૂતો જે ખાતર માટે વલખા મારી રહ્યા છે તે ખાતરનો જથ્થો રાજ્યબહાર મોકલવામાં આવતું હોવાનું સામે આવ્યું. દાહોદથી ખાનગી વાહન મારફતે મોટાપાયે યુરિયા ખાતરનો જથ્થો મધ્યપ્રદેશ મોકલાતો હોવાનો ખુલાસો થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. યુરિયા ખાતરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં માહોલ ગરમાયો છે. વારંવાર રજૂઆત બાદ આ મામલે કૃષિ વિભાગ એકશનમાં આવ્યું.


યુરિયા ખાતરનું બારોબાર વેચાણ

કૃષિ વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં યુરિયા ખાતર મધ્યપ્રદેશ મોકલવામાં આવતું હોવાનું ખૂલ્યું. વિભાગની ટીમ ખાતરના સર્ચ ઓપરેશનમાં અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપરના વાહનોની તપાસ કરતી હતી. અને આ તપાસમાં કતવારાથી પસાર થતી MP નંબર પ્લેટવાળી ગાડીની તપાસ કરતાં તેમાં યુરિયા ખાતરની વધુ થેલીઓ હોવાનું જાણવા મળ્યું. વિસ્તરણ અધિકારીઓએ વાહનમાંથી બિનહિસાબી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે યુરિયા ખાતરની 75 જેટલી થેલીઓ જપ્ત કરી. આ જપ્ત કરાયેલ ખાતરની બજાર કિમંત અંદાજે 20,000/- કિમંત હોવાનું માનવામાં આવે છે.

ખાતરની અછતથી ખેડૂતો ચિંતિત

દરમિયાન વિસ્તરણ અધિકારી દ્વારા ખાતરનો જપ્ત કરાયેલ જથ્થો કતવારા ગોડાઉનમા રાખી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં ખાતરની અછત અને તેના ઊંચા ભાવને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો વહેલી સવારથી ખાતર લેવા પહોંચી જાય છે અને સાંજ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર મળતુંનથી. સારો પાક મેળવવા યુરિયા ખાતર જરૂરી છે ત્યારે તેની અછતના કારણે ખેડૂતો વાવણી કેવી રીતે કરવી તેને લઈને ચિંતિત છે. અને એટલે જ ખેડૂતો દ્વારા યુરિયા ખાતરની બજારમાં અછતને લઈને તંત્રને રજૂઆત કરાતા ગાંધીનગરથી એક ખાસ સ્ક્વોડ ટીમ દાહોદ ખાતે તપાસ માટે પહોંચી હતી.

  • Follow us on: