ગુજરાતમાં હાલમા ચોમાસાની સિઝન ચાલુ હોવાથી ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. બીજી તરફ ખેડૂતોને વાવણી માટે પૂરતુ ખાતર નથી મળી રહ્યું. ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે દાહોદમાં જિલ્લા કૃષિ વિભાગે રાછરડા ગામમાં બાતમીને આધારે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન તપાસ કરતાં 307 થલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો.


રાછરડા ગામે બાતમીના આધારે રેડ

દાહોદ જિલ્લાના રાછરડા ગામમાં બાતમીના આધારે કૃષિ વિભાગે રેડ પાડી હતી. કૃષિ વિભાગના અધિકારીએ ખાતરના બંધ ગોડાઉનનું તાળુ તોડીને તપાસ કરી હતી. જેમાંથી 307 થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો હતો. તપાસ દરમિયાન આ યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું હતું. આ ગોડાઉનમાં લાઈસન્સ વિના યુરિયાનું વેચાણ થતું હતું. દાહોદ જિલ્લામાં યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

યુરિયાનો જથ્થો રાજસ્થાનનો હોવાનું ખુલ્યું

દાહોદ જિલ્લાના નાયબ ખેતી નિયામક સી.એમ પટેલે કહ્યું હતું કે, દાહોદ જિલ્લા કૃષિ વિભાગ દ્વારા ગત મોડી સાંજે રાછરડા ગામમાં બાતમીના આધારે રેડ કરાઈ હતી. હાલ કૃષિ વિભાગે સમગ્ર જથ્થો કબજે કરી લાઇસન્સ વગર ગેર કાયદેસર રીતે ખાતરનો ધંધો કરતા વેપારી પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે. તપાસમાં ઝડપાયેલ યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું છે.


  • Follow us on: