ગુજરાતમાં અનેક વખત વિદ્યાર્થીઓ પાસે સ્કૂલોમાં કામ કરાવવાના કિસ્સોઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે દાહોદમાં લીમડાબરા પ્રાથમિક શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ કરાવવાને બદલે કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટના રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરના પ્રભારી જિલ્લામાં જ બની હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.


વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે શ્રમ કરાવાઈ રહ્યો છે. આ દ્રશ્યો શિક્ષણના મૂળભૂત હેતુ અને બાળકોના અધિકારોનું ઘોર ઉલ્લંઘન સૂચવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ

વાલીઓ અને સ્થાનિકો દ્વારા આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ દાહોદ જિલ્લામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવાની આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી આવી પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલુ રહી છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી, દોષિતો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ શાળામાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય.


  • Follow us on: