દાહોદમાં ભાજપ નેતાની શાળા ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. દેવગઢબારિયામાં ભાજપ નેતાની ઇન્ટર નેશનલ સ્કૂલમાં ફી ના નામે વાલી પાસેથી પૈસાની માગણી કરવામાં આવી. વાલીએ આક્ષેપ કર્યો છે કે તેમના બાળકને RTE નિયમ હેઠળ શાળામાં એડમિશન મળ્યું છે, છતાં શાળા સંચાલકો ફી માગી અમને ત્રાસ આપી રહ્યા છે.
શાળા ટ્રસ્ટીઓની દાદાગીરી
દેવગઢબારીયામાં આવેલ રત્નદીપ ઈન્ટર નેશનલ સ્કુલના મુખ્ય ટ્રસ્ટી એક ભાજપ નેતા અને નગરપાલીકાના પ્રમુખ ધર્મેશ કલાલ છે. રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કુલમાં 2020માં RTE હેઠળ એક બાળકને એડમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદથી શાળા સંચાલકો વાલી પાસે ફીનું ઉઘરાણું કરી રહ્યા છે. વાલીએ પણ વધુ માથાકૂટમાં પડયા વગર અત્યાર સુધી 18,000 રૂપિયા ફી ભરી. છતાં શાળા તરફથી વધુ ફી માગતા આ મામલો વિવાદમાં આવ્યા છે. શાળા સંચાલકો ફીના મામલે ટસના મસ ના થતા આખરે વાલીએ પણ ન્યાય મેળવવા ગુહાર લગાવી.
વાલીનો શાળા ટ્રસ્ટી પર ગંભીર આક્ષેપ
વાલીનો આક્ષેપ છે કે રત્નદીપ શાળામાં તેમના બાળકનું RTE અંતર્ગત એડમિશન લીધું છે. છતાં તેમના માગવા પર મેં 18,000/-રૂ. ફી ભરી છે અને તેની મારી પાસે સાબિતી પણ છે. પરંતુ હવે હદ ત્યારે થઈ કે જ્યારે તેઓ મારી પાસેથી ફી પેટે 86,000 રૂપિયા માંગ્યા. આટલી ઊંચી ફી ભરવા અમે સક્ષમ નથી તેવું તેમને અનેકવાર કહ્યું છતાં શાળા સંચાલકો તરફથી કહેવાયું કે પહેલા ફી ભરો પછી બાળકને શાળાએ મોકલો. બાળકના ખાતામાં 3000 રૂપિયા આવે છે તે અમને આપી દો તેવી શાળા સંચાલકો માગણી કરી રહ્યા છે.
વાલની રજૂઆત બાદ કલેકટરનો આદેશ
શાળા ટ્રસ્ટી અને પ્રિન્સીપાલનું દબાણ વધતા આખરે મેં વડાપ્રધાનના કાર્યાલય, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના શિક્ષણ વિભાગને આ મામલો ધ્યાનમાં લેવા રજૂઆત કરી. આખરે વાલીની આ રજૂઆતના પડઘા પડ્યા અને RTE વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવા કલેક્ટરે આદેશ આપ્યો. આ ઉપરાંત સમગ્ર મામલે જીલ્લા કલેક્ટરે વધુ તપાસના આદેશ આપ્યા. તેમજ કલેક્ટરે જીલ્લાની તમામ સ્કુલને RTE અંતર્ગત આવતા વિધાર્થીઓ પાસેથી ફી ના લેવા આદેશ કર્યો.