દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં વહીવટીતંત્ર દ્વારા ચાલુ વરસાદે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રએ માનવતા નેવે મૂકીને આ કાર્યવાહી કરી હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. 


લીમખેડા પંચાયતે દબાણકારોને નોટિસ આપી હતી

મળતી જાણકારી અનુસાર, લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા અગાઉ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. જોકે, નોટિસની મુદ્દત પૂર્ણ થયા બાદ ભારે વરસાદની મોસમમાં અને અત્યંત પ્રતિકૂળ વાતાવરણમાં તંત્ર દ્વારા પાકા તેમજ નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. JCB અને પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા માટે પહોંચેલા તંત્રના અધિકારીઓ સામે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, આ કાર્યવાહી ગરીબ અને નાના વેપારીઓને હેરાન કરવા માટે કરવામાં આવી રહી છે.

ગરીબોને હેરાન કરાતા હોવાનો સ્થાનિકનો આરોપ

મહત્વનું છે કે, વરસાદની મોસમમાં જ્યારે લોકો પોતાના ઘર અને રોજીરોટી માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે દબાણ હટાવવાની આ કાર્યવાહી તેમને મુશ્કેલીમાં મૂકી રહી છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તંત્ર અને સ્થાનિકો વચ્ચે તાનાવ્ભાર્યો માહોલ સર્જાયો હતો. લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમને વૈકલ્પિક વ્યવસ્થા કે પૂરતો સમય આપવવામાં આવ્યો નથી. આકરા પાણીએ થયેલી આ કાર્યવાહીથી સ્થાનિકોમાં વહીવટીતંત્ર પ્રત્યે ભારે નારાજગી અને રોષ ફેલાયો છે.


  • Follow us on: