દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મહત્વનો ગણાય છે. જગત મંદિર દ્વારકાધીશ તેમજ નારેશ્વર જ્યોતિર્લિંગ પર દરરોજ હજારો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે. ત્યારે રોડ રસ્તાઓને લઈ શ્રદ્ધાળુઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, દ્વારકાથી નાગેશ્વર મુખ્ય રોડ 16 કિલોમીટર લંબાઈ ધરાવે છે, તે રોડની હાલત એટલી બિસ્માર છે કે દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાય છે, તેમજ પ્રવાસીઓ અને સ્થાનિકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડે છે.
10 મિનિટના રસ્તા માટે પોણો કલાક બગડે છે
યાત્રાધામ દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતા મુખ્ય રોડની સમસ્યા માત્ર પ્રવાસીઓ પૂરતી સીમિત નથી, કારણ કે દ્વારકા તાલુકાના 15 જેટલા ગામડાઓને જોડતો આ મુખ્ય રોડ છે. તેથી દરરોજ શાળાએ આવતા બાળકો અને દ્વારકા અવરજવર કરતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દ્વારકા નાગેશ્વરને જોડતા રોડની બિસ્માર હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે 10 મિનિટના રસ્તા માટે અમારે પોણો કલાક બગડે છે, જ્યારે મેડિકલ ઈમરજન્સી વખતે એમ્બ્યુલન્સ વાળા પણ આ રસ્તે નીકળવા માટે 100 વખત વિચારે છે, ત્યારે તંત્રને અમારી એક જ અપીલ છે કે દ્વારકા નાગેશ્વરને જોડતા મુખ્ય રોડને તાત્કાલિક રીપેર કરી લોકોને રાહત આપવામાં આવે.













