જન્માષ્ટમીના તહેવારની રાજ્ય સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે અને માહોલ કૃષ્ણમય બન્યો હતો. ગુજરાતમાં જગતમંદિર દ્વારકા, ડાકોર, શામળાજી, અમદાવાદના ઈસ્કોન મંદિર, ભાડજ મંદિર, મથુરા અને વૃંદાવનમાં રંગેચંગે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 5 દિવસમાં 5,64,000 લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા છે.


રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જન્માષ્ટમી પર્વ પર દ્વારકા પધાર્યા

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જન્માષ્ટમી પર્વ પર દ્વારકા પધાર્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા છે. 5,64,000 જેટલા લોકોએ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકયા તે માટે તંત્રએ પણ ખુબ જ ઉમદા કાર્ય અને સારી વ્યવસ્થા કરી હતી. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી હતી. આટલી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા આવેલા હોય ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે પણ ખુબ જ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.

સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની

ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના 5252માં જન્મોત્સવની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. કાનાના વધામણાં કરવા ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને જ્યાં ભક્તોએ વહેલી સવારે મંગળા આરતી કરી, ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના ખુલે પડદે સ્નાન તેમજ શ્રૃંગાર આરતી તેમજ રાજ ભોગના દર્શન કર્યા. યાત્રાધામ દ્વારકામાં કીર્તિ સ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની હોય તેવો ચિતાર જોવા મળી રહ્યો છે.

  • Follow us on: