યાત્રાધામ દ્વારકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જગતમંદિરના એક્ઝિટ ગેટ પર ફરજ બજાવી રહેલા એક સુરક્ષા ગાર્ડને અજાણ્યા યાત્રિકોએ નિર્દયતાથી માર માર્યો હતો. સામાન્ય બાબતને લઈને શરૂ થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી, જેમાં સુરક્ષાગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
બે અજાણ્યા યાત્રિકોએ પોલીસની ઓળખ આપી હતી
મળતી જાણકરી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે બે યાત્રિકો એક્ઝિટ ગેટ પર ફોન પર વાત કરી રહ્યા હતા. ડ્યુટીના સુરક્ષાગાર્ડે તેમને મંદિર પરિસરમાં ફોન પર વાત ન કરવા વિનંતી કરી. આ સમાન્ય સૂચના આપતા જ બંને યાત્રિકો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને સુરક્ષાગાર્ડ સાથે દલીલો કરવાનું શરૂ કર્યું. દલીલો ઉગ્ર બનતા અજાણ્યા યાત્રિકોએ સુરક્ષાગાર્ડ પર હુમલો કર્યો અને તેને માર માર્યો હતો. અચાનક થયેલા હુમલાથી સુરક્ષાગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસ હાજર અન્ય લોકો અને મંદિરના સ્ટાફ દ્વારા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને હોસ્પિટલ ખસેડાયો
મહત્વનું છે કે, હુમલા બાદ બંને અજણ્યા યાત્રિકો ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત સુરક્ષાગાર્ડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી દ્વારકા મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા બંને અજાણ્યા યાત્રિકોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.