યાત્રાધામ દ્વારકામાં દીપાવલી વેકેશનમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટયું છે, સ્વર્ગ દ્વાર છપ્પન સીડીથી મોક્ષ દ્વાર સુધી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં છે, દેશ વિદેશથી ભગવાન દ્વારકાશીના દર્શન કરવા બહોળી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવી પહોંચ્યા છે.
દ્વારકાધીશ પ્રભુએ 'શામળશા શેઠ'નું સ્વરૂપ ધારણ કર્યું
સમસ્ત ભારતમાં દીપાવલીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં પણ ઉત્સવનો અનેરો માહોલ છવાયો છે. પાંચ દિવસીય દીપાવલી પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંગળાથી શયન સુધીના દર્શનોને વિશેષ રૂપે શણગારવામાં આવ્યા છે.
દ્વારકાધીશ જગત મંદિરમાં પણ ઉત્સવનો અનેરો માહોલ
ભગવાન દ્વારકાધીશ જાણે સાક્ષાત વેપારી બનીને બિરાજમાન થયા હોય તેવા દર્શન ભક્તોને થયા હતા. મંદિરના પૂજારીઓ દ્વારા શ્રીજીના આ સ્વરૂપને મીઠાઈઓની સુંદર હાટડી (નાની દુકાન) ભરીને શણગારવામાં આવ્યું હતું. પ્રભુના આ સ્વરૂપમાં ત્રાજવાં અને તોલા પણ ખાસ પ્રકારે મૂકવામાં આવ્યા હતા, જે સમૃદ્ધિ અને વેપારના પ્રતીક સમાન હતા.
જગત મંદિરને રંગબેરંગી રોશનીથી ભવ્ય સજાવવામાં આવ્યું
દીપાવલી પર્વ નિમિત્તે સમગ્ર જગત મંદિરને રંગબેરંગી ઇલેક્ટ્રિક લાઈટોની રોશનીથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. ચારેય બાજુ રોશનીનો ઝળહળાટ અને રંગબેરંગી દીવડાઓની હારમાળાથી મંદિરનું વાતાવરણ અત્યંત આધ્યાત્મિક અને દિવ્ય બની ગયું છે. ભગવાન દ્વારકાધીશના આ અનોખા અને મંગલમય 'હાટડી દર્શન'નો લાભ લેવા માટે આજે સવારથી જ ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપૂર દ્વારકા પહોંચ્યું હતું. ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પ્રભુના દર્શન કર્યા હતા અને ધન-વૈભવના પ્રતીક સમા આ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માન્યતા છે કે દિવાળીના દિવસે શામળશા શેઠના સ્વરૂપના દર્શન કરવાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. દ્વારકાધીશના જયઘોષ સાથે ભક્તોની ભીડથી સમગ્ર દ્વારકા નગરી ભક્તિમય બની ગઈ હતી.