દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર ગત રાતથી લાગેલી વિકરાળ આગ 20 કલાકથી વધુ સમય વીતવા છતાં હજી સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. કચરાના ઢગલામાં લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાયા છે અને પ્રદૂષણનું સ્તર વધ્યું છે. ડમ્પિંગ સાઇટ પર ગત રાત્રિના સમયે આ આગ ફાટી નીકળી હતી. જેણે કચરાના મોટા જથ્થાને કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ગત રાતે લાગી હતી વિકરાળ આગ
કચરો સતત સળગતો રહેતા અને પ્લાસ્ટિક જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગને સંપૂર્ણપણે ઠારી ન શકાતા સ્થાનિક નગરપાલિકાની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સમયસર અને પૂરતા સાધનો સાથે કાર્યવાહી ન થવાને કારણે આગ નિયંત્રણ બહાર જઈ રહી છે.













