દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા શહેરમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ડમ્પિંગ સાઇટ કચરાના મોટા જથ્થાથી ભરેલી હોવાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કચરામાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા સમગ્ર આકાશમાં છવાઈ ગયા હતા.
પાલિકાની ડમ્પિંગ સાઇટ પર વિકરાળ આગ
જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. આ ડમ્પિંગ સાઇટ પર પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ કચરો વધારે હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી. આગની જાણ થતાં જ ખંભાળિયા ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરની ગાડીઓ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા હતા.













