ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન આગના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જામ ખંભાળીયા નજીક નાના માંઢા નજીક આવેલી એસ્સાર કંપનીમાં 8 નંબરના જંક્શનના કન્વેયર બેલ્ટ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
નાના માંઢા અને મોટા માંઢા ગામ વચ્ચેની ઘટના
પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના મોઢા અને મોટા મોઢા વચ્ચે આવેલી એસ્સાર કંપનીના બલ્ક ટર્મિનલ ખાતે આજે અચાનક આગ ભૂભૂકી ઉઠી હતી. કંપનીમાં લાગેલી આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા હતાં. કંપનીની આસપાસના વિસ્તારોમાં આગના બનાવથી ચિંતાનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરાઈ હતી.













