ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ચોમાસાની વિદાય બાદ પણ માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરમાં માવઠાને કારણે ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. અનેક ખેડૂતોના હાલ બેહાલ થયાં છે. ખેતરમાં તૈયાર થયેલા પાકને વાઢ્યા પહેલા જ માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. ત્યારે દ્વારકાના ભાણવડમાં એક ખેડૂતે દેવુ વધી જતાં આપઘાત કરી લીધો છે.


દેવું વધી જતા 37 વર્ષિય ખેડૂતે કર્યો આપઘાત

પ્રાપ્ત વિગતો પ્રમાણે દ્વારકાના ભાણવડમાં એક ખેડૂતે દેવુ વધી જતાં જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. 37 વર્ષના ખેડૂત કરશનભાઈ કેશુરભાઈ વાવણોટીયાએ પાણીમાં ડૂબીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમાર અને બેંક લોનના કારણે તણાવમાં જીવન જીવતા હતાં. હવે માવઠાને કારણે પાકમાં નુકસાન થતાં તેમને લાગી આવ્યું હતું જેથી તેમણે પાણીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સરકાર ટૂંક સમયમા સહાય જાહેર કરશે

માવઠાને કારણે ખેતીમાં થયેલા નુકસાન બાબતે સરકાર ટૂંક સમયમા સહાય જાહેર કરશે. તેમ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને માહિતી આપી હતી. બીજી તરફ ખેડૂતોએ સરવેનો વિરોધ કરીને સંપૂર્ણ નુકસાની આપવા માટે રજૂઆતો કરી છે. સરવે માટે જતી ટીમોને ગામડામાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. ડાંગર, મગફળી, કપાસ,મગ, સોયાબિન સહિતનો પાક નાશ પામ્યો છે.


  • Follow us on: