દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા આસોટા ગામમાં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આ આગ એક પશુચારાનો સંગ્રહ કરેલા વાડામાં લાગી હતી. આગ લાગવાના કારણે હજારોનો પશુચારો બળીને ખાખ થઈ ગયો હતો.
જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી
ઘટનાની મળતી વિગતો અનુસાર, દેવભૂમિદ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના એક ખેડૂતે તેના વાડામાં પશુ આહારનો જથ્થો સંગ્રહ કર્યો હતો. જેમાં આગ લાગી હતી. આ ખેડૂતનું નામ રાયદેભાઈ ભોલાભાઈ ગાગિયા છે. તેમણે વાડામાં પશુઓ માટેના સૂકી નીરણના મોટા જથ્થા રાખ્યો હતો. આ જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું
રાયદેભાઈએ જે વાડામાં પશુચારો રાખ્યો છે, તેની નજીક એક વીજ પોલ છે. જેનો તાર તૂટી પડતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ આગ લાગવાના કારણે હજારો રૂપિયાનો પશુચારો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. પશુચારો સુકો હોવાના કારણે બહુ ઓછા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, જે કારણે આગ પર કાબૂ મેળવાય તે પહેલા જ સમગ્ર પશુચારો બળીને ખાખ થઈ ગયો હતો.
પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ
હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે આ ખેડૂતના ધારચારામાં પણ આગ લાગી જવાથી પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂત દ્વારા વીજ વિભાગ પાસે વળતરની માંગ કરવામાં આવી છે.