દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરીને જોખમી સ્ટંટ કરનારા યુવકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસો પહેલા કેટલાક યુવકોએ જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર બાઇક પર જોખમી સ્ટંટ કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર યુવકોએ બાઇક પર જીવ જોખમમાં મૂકીને અને અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમમાં મૂકનારા સ્ટંટ કર્યા હતા.


જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરતો વિડિયો વાઇરલ થયો હતો

આ પ્રકારના સ્ટંટ જાહેર માર્ગો પર ગંભીર અકસ્માત સર્જી શકે છે. જેના કારણે અન્ય મુસાફરોની સુરક્ષા પણ જોખમાય છે. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે જામખંભાળિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સ્ટંટ કરનારા યુવકોની ઓળખ કરીને તેમને પકડી પાડ્યા હતા. પોલીસે આ યુવકોને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

સ્ટંટબાજોને પોલીસે પકડી માફી મગાવી પાઠ ભણાવ્યા

આખરે પોતાની ભૂલ સમજાતા, સ્ટંટબાજ યુવકોએ જાહેરમાં માફી માગતો એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે કબૂલ્યું હતું કે તેમનાથી ભૂલ થઈ છે અને ભવિષ્યમાં તેઓ ફરી ક્યારેય આ પ્રકારના જોખમી સ્ટંટ નહીં કરે. પોલીસની આ કાર્યવાહીથી યુવાનોમાં કાયદાનો ડર પેદા થશે અને જાહેર માર્ગો પર સ્ટંટબાજી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે.


  • Follow us on: