દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં ઘરની બહાર ગલીમાં રમી રહેલા એક પાંચ વર્ષના બાળકને શ્વાને હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી છે. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનોના વધી રહેલા જોખમ સામે લોકોમાં ભય અને રોષ ફેલાયો છે. ગામમાં રહેતા દેવાંશ ભરતભાઈ ગઢવી નામનો પાંચ વર્ષનો માસૂમ બાળક પોતાના ઘરની બહાર ગલીમાં રમી રહ્યો હતો.


ઘરની બહાર રમતા 5 વર્ષના બાળક પર હુમલો

તે દરમિયાન એક રખડતા શ્વાને અચાનક બાળક પર હુમલો કર્યો હતો અને તેના પગમાં બચકાં ભર્યા હતા. શ્વાનના હુમલાને કારણે બાળક ચીસો પાડવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે શ્વાનને ભગાડ્યો હતો. બાળકના પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત બાળકને ટાંકા, ઇન્જેક્શન સહિતની જરૂરી સારવાર આપી હતી.

કૂતરાએ બાળકને બચકાં ભરતા ટાંકા લેવા પડ્યા

ભારા બેરાજા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ પ્રકારના હુમલાની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં તંત્ર દ્વારા આ રખડતા શ્વાનોના ત્રાસ પર નિયંત્રણ લાવવા માટે કોઈ કાયમી ઉકેલ કે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


  • Follow us on: