જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડ પર ચાલી રહેલા નવીનીકરણના કામથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાર રસ્તાથી નગર નાકા તરફના આ મુખ્ય માર્ગનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે અને તેમને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ રોડનું સમારકામ છેલ્લા 15 દિવસોથી ચાલી રહ્યું છે. પરંતુ કામની ગતિ એટલી ધીમી છે કે જાણે કાચબાની ચાલે ચાલી રહી હોય.


વેપારીઓએ નગરપાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો

મુખ્ય માર્ગ પર ખોદકામ અને બાંધકામના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહન વ્યવહાર અવરોધાય છે. જેના કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. તહેવારોની સિઝન હોવા છતાં મોબાઈલ, કલર, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ચીજવસ્તુઓની દુકાનો સુમસામ ભાસી રહી છે. સ્થાનિક વેપારીઓએ નગરપાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે પાલિકાની અણઆવડત અને બેદરકારીને કારણે તેમનો ધંધો ચોપટ થઈ ગયો છે.

તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવા માંગ

આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓએ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો કામ ઝડપથી પૂરું કરવામાં નહીં આવે તો તેમને વધુ મોટું નુકસાન વેઠવું પડશે. આ મામલે વેપારીઓએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જોકે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે અને જો કામગીરી ઝડપી નહીં થાય તો તેઓ આંદોલન પણ કરી શકે છે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. 


  • Follow us on: