દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે બે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સોનારડી ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભારે રોષની લાગણી ફેલાઈ છે. સોનારડી ગામના ખેડૂતો રામસંગ જાડેજા અને તખુભા જાડેજા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પીજીવીસીએલનો એક જીવંત વીજળીનો વાયર તૂટીને અચાનક તેમના માથે પડ્યો હતો.


સોનારડી ગામે વીજ વાયર તૂટી પડતા લાગ્યો કરંટ

જીવંત વાયરન સંપર્કમાં આવતા જ બંને ખેડૂતોને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને ખેડૂતોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ સોનારડી અને નાના સેવા ગામમાં ગમગીનીનું વાતાવરણ સર્જી દીધું છે. સ્થાનિક ગ્રામજનોએ આ ઘટના માટે પીજીવીસીએલની બેદરકારીને સીધી રીતે જવાબદાર ગણાવી છે.

ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર પડ્યો વીજ વાયર

તેમનો આક્ષેપ છે કે વીજળીના વાયરો જર્જરિત અને જૂના હોવા છતાં તેને બદલવામાં આવ્યા નહોતા. ગ્રામજનોએ તાત્કાલિક જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. આ ઘટનાએ વીજળી વિભાગની બેદરકારી અને સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


  • Follow us on: