કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ આખરે શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા રદ્દ કરી દીધી છે.


ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે ભરતીમાં ગેરરિતી

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ બાદ આખરે રાજ્યના શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા રદ કરવાનો આદેશ કર્યો છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં સ્ટેચ્યુટ ની જોગવાઈ અને સરકારની મંજૂરી વગર જ ફક્ત બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત બાદ ઉંમરની વય મર્યાદા, કચ્છ યુનિવર્સિટીના પાંચ કર્મચારીઓ માટે છૂટછાટ, પસંદગી પ્રક્રિયાની પદ્ધતિમાં ફેરફાર, જેવા નિયમોનો ભંગ કર્યો હતો.

કરાર આધારિત હોવા છતાં કાયમી કર્મચારી તરીકે ગણી લેવાયા

આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની ભરતીની પ્રક્રિયામાં યુનિવર્સિટી દ્વારા UGC ના ભરતીના નિયમોમાં ફેરફાર કરાયો હતો. જેમાં પસંદ થયેલા ઉમેદવારો કરાર આધારિત હોવા છતાં પણ તેને કાયમી કર્મચારી તરીકે ગણી પસંદ કરવામાં આવ્યા હતા સાથે જ ઉંમર ,અનુભવ અને પગાર તમામ લાભ આપવામાં આવ્યા હતા.

સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શકતા નો અભાવ

આ ઉપરાંત રોસ્ટર રજીસ્ટર નિભાવામાં આવ્યું ન હતું. બીજી તરફ ભરતીની જાહેરાતની સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શકતા નો અભાવ જોવા મળ્યો. OMR સીટ ઉપર બારકોડ કે સીટ નંબર પ્રિન્ટ કરવામાં આવ્યો ન હતો.ભરતી સમિતિ દ્વારા પરિણામમાં સુધારો વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરાયો ન હતો. પસંદગી પામેલા ઉમેદવારને સરકારની મંજૂરી વગર તાત્કાલિક નિમણૂક અપાઈ હતી.

કર્મચારીને છુટા કરવા રજૂઆત કરી

ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થઈ હોવાનું સામે આવતા રાજ્યના શિક્ષણ વિભાગે ભરતી રદ કરી પાંચ કર્મચારીને છુટા કરવાનો આદેશ કર્યો છે.કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવાએ ઇન્ચાર્જ કુલપતિને આજે રૂબરૂ મળી પાંચેય કર્મચારીને છુટા કરવા રજૂઆત કરી હતી.

યુનિવર્સીટી હજું પણ આદેશ માનતી નથી

મહત્વનું છે કે રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ બાદ પણ આ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા નથી. આ મામલે ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે આગામી 12 ઓગસ્ટના બોર્ડ મીટીંગ બોલાવામાં આવી છે જેમાં કર્મચારીને છુટા કરવા મામલે નિર્ણય લેવામાં આવશે.અહીં સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજ્ય શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા રદ કરી તમામ કર્મચારીને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કર્યો છે તેમ છતાં પણ કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો ઇસી મિટિંગ બહાના આગળ ધરીને કર્મચારીઓને છાવરી રહી છે. 


  • Follow us on: