કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યુ છે. ગાંધીધામ નગરપાલિકા અને બી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કિડાણા ગામના કુખ્યાત હિસ્ટ્રીશીટર આરોપીઓ અસગર અયુબ કટિયા અને ગફૂર જાફર છુછીયા દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને 16 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી.


આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જોતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી

આ દુકાનો અંદાજિત 2400 ચોરસ ફૂટ જગ્યામાં ફેલાયેલી હતી. આ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જોતાં તંત્ર દ્વારા આ દબાણો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણો દૂર કરતા પહેલાં વહીવટી તંત્રએ આ ગેરકાયદેસર દુકાનોનો સર્વે કર્યો હતો. આ સર્વેના આધારે ગાંધીધામ નગરપાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્તપણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યુ હતું.

દબાણો હટાવીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી

ત્યાર બાદ દબાણો હટાવીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારોને કડક સંદેશ આપવાનો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો હતો. ગેરકાયદેસર દબાણો પર આ પ્રકારની કાર્યવાહીથી ભવિષ્યમાં ગુનાહિત તત્વોને સરકારી જમીન પચાવી પાડતા અટકાવી શકાશે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.


  • Follow us on: