કચ્છ જિલ્લા પંચાયતની આજે યોજાયેલી સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો. આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની માંગ સાથે સત્તાધારી ભાજપ પક્ષ સામે બંગડીઓ ધરીને કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્ર મામલો થાળે પાડવા માટે પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના સભ્યોએ જિલ્લામાં શિક્ષકોની વ્યાપક ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ સત્તાધારી પદાધિકારીઓ સામે બંગડીઓ ધરીને વિરોધ નોંધાવ્યો
શિક્ષણ જેવી પાયાની સુવિધામાં શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સત્તાધારી ભાજપના પદાધિકારીઓ સામે બંગડીઓ ધરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત
ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસ કાફલો તાત્કાલિક જિલ્લા પંચાયત ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. શિક્ષકોની ઘટનો મુદ્દો જિલ્લાના શૈક્ષણિક માળખા માટે ગંભીર પ્રશ્ન છે. આ મામલે રાજકીય ગરમાવો વધતા હવે તંત્ર દ્વારા શિક્ષકોની ભરતી અંગે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.