ગુજરાતના ગામડામાં તલાટીને લઈને ભારે સમસ્યા સર્જાઈ છે. રાજ્યના ગામડાઓમાં હાલ તલાટીઓની ગંભીર ઘટ જોવા મળે છે, જેના કારણે એક તલાટીને ત્રણથી ચાર ગામોનો વહીવટ સંભાળવો પડે છે. પરંતુ હાલમાં રાજ્ય સરકારે તલાટીને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત મહેસુલી તલાટીને લઈ રાજ્ય સરકારે તલાટીને પ્રતિનિયુક્તિથી પંચાયતમાં લાવવાનો નિર્ણય રદ્દ કર્યો છે. એટલે 2 થી 3 ગામ વચ્ચે એક જ તલાટીથી ચલાવવું પડશે.
મહેસુલી તલાટીને પંચાયતમાં સમાવવા કર્યો હતો નિર્ણય
પાંચ મંત્રીઓને પાંચ અધિકારીઓની કમિટીએ વર્ષ 2017માં મહેસુલી તલાટીને પંચાયતમાં સમાવવા નિર્ણય કર્યો હતો. આ નિર્ણય મુજબ એક ગામમાં એક તલાટીની નિમણૂંક કરવામાં આવશે. જેથી કરીને પ્રત્યેક ગામમાં રોડ-રસ્તા અને પાણી જેવી પ્રાથમિક બાબતોની તલાટી તંત્ર સમક્ષ યોગ્ય રીતે રજૂઆત કરી શકે. ગ્રામીણ વિસ્તારને વધુ વિકસિત કરવાના ઉદેશ્ય સાથે એક ગામ, એક તલાટીનો નિર્ણય લેવાયો હતો. પરંતુ તલાટીઓની ભરતીના અભાવે રાજ્યમાં તલાટીઓની ઘટ હોવાની સ્થિતિ છે. તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત કરી હતી.
મહેસૂલ તલાટીની ભરતીની કરાઈ હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટી (વર્ગ-3)ની 2389 જગ્યાઓ માટે ભરતીને લઈને આ વર્ષના મે મહિનામાં જાહેરાત કરાઈ હતી. આ જાહેરાતને લઈને કહેવાતું હતું કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તલાટીઓની ઘટને પૂરવા અને વહીવટી કામગીરીને વેગ આપવા આ ભરતી કરવામાં આવશે. તલાટીની ભરતીની પસંદગી પ્રક્રિયામાં પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમાવેશ કરાયો છે. તેમજ ઇચ્છુક ઉમેદવારોએ GSSSBની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી હતી.