ગાંધીનગરમાં આવેલી સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે હોસ્ટેલ અને શૈક્ષણિક જગતમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતક વિદ્યાર્થિની એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આપઘાતના સમાચાર મળતાં જ ગાંધીનગર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


વિદ્યાર્થિની એન્જિનિયરિંગનો કરતી હતી અભ્યાસ 

પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થિનીના પરિવારના સભ્યો હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. જોકે આ આઘાતજનક પરિસ્થિતિમાં પરિવારે હાલમાં મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો છે.

ગાંધીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી

પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. યુવાન વિદ્યાર્થિનીએ આત્યંતિક પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓ પરના માનસિક દબાણ અને તણાવ જેવા ગંભીર મુદ્દાઓ તરફ સૌનું ધ્યાન દોર્યું છે.


  • Follow us on: