ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સંભવિત વિસ્તરણને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારનું વહીવટી કેન્દ્ર ગણાતા સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ-2 માં હાલમાં મંત્રી કક્ષાની ચેમ્બરો ખાલી પડી હોવાનું જાણવા મળ્યું છે, જે મંત્રીમંડળના વિસ્તરણના સ્પષ્ટ સંકેતો આપે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને સંકુલમાં કુલ 12 ચેમ્બરો ખાલી છે. આ સ્થિતિ સૂચવે છે કે મુખ્યમંત્રી ટૂંક સમયમાં જ કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં હલચલ તેજ બની છે.
સ્વર્ણિમ સંકુલમાં ખાલી ચેમ્બરોની વિગતો
ખાલી પડેલી ચેમ્બરોની વિગતો જોઈએ તો, સ્વર્ણિમ સંકુલ-1 માં પહેલા માળે 3 મંત્રી કક્ષાની ચેમ્બર ખાલી પડી છે, જ્યારે સ્વર્ણિમ સંકુલ-2 માં કુલ 9 ચેમ્બર ખાલી છે. ઉલ્લેખનીય છે કે, સ્વર્ણિમ સંકુલ-2 માં કુલ 29 મંત્રીઓને બેસવાની ક્ષમતા છે. નિયમ પ્રમાણે, ગુજરાતમાં વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય છે. હાલમાં મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા ઓછી છે, અને ખાલી પડેલી આ 12 ચેમ્બરો નવા મંત્રીઓને ફાળવી શકાય તેમ છે, જેનાથી સરકારનું કદ વધારીને પ્રાદેશિક અને જાતીય સમીકરણોનું સંતુલન જાળવી શકાય.













