મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે ગુજરાતને વધુ વિશ્વસનીય બનાવવાના હેતુસર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદરામાં યોજાયેલી ચોથી કડીમાં વિવિધ જિલ્લાઓમાં 8 નવી GIDCની સ્થાપનાની જાહેરાત કરી હતી.રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા આ સ્માર્ટ એસ્ટેટ્સ દ્વારા આધુનિક સુવિધાઓ,સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.ખેડા,અમદાવાદ,પંચમહાલ,છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લામાં 3611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે.


સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ તરીકે વિકસાવવાની જાહેરાત

તદઅનુસાર, ખેડા જિલ્લાના મહિજ જીઆઇડીસીને 130.3 એકર વિસ્તારમાં, કઠલાલ તાલુકાના સરખેજ જીઆઇડીસીને 332.7 એકર વિસ્તાર, મહુધા તાલુકાના મહિસા જીઆઇડીસીને 18.5 એકર, ગળતેશ્વર તાલુકાના અંઘાડી જીઆઇડીસીને 310.9 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે.આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઇડીસીને 515 એકર વિસ્તારમાં, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર જીઆઇડીસીને 105.5 એકર વિસ્તારમાં, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઉંડવા જીઆઇડીસીને 247.1 એકર વિસ્તારમાં અને ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના મોણપુર જીઆઇડીસીને 1950.7 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 

એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ મળશે

આ જાહેરાત અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓ મળી કુલ 3611 એકર વિસ્તારમાં નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે.આ આયોજનથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગો માટે પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત ઔદ્યોગિક વિસ્તારોનું નિર્માણ, રોકાણકારોને સરળતા અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે.રાજ્યમાં વિકસાવવામાં આવનારા આ સ્માર્ટ એસ્ટેટ્સ ઉદ્યોગ, ટેકનોલોજી અને રોજગારના નવા કેન્દ્રો તરીકે ઉભરી આવશે. આ પ્રકલ્પો દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને એક મજબૂત ઔદ્યોગિક ઈકોસિસ્ટમ મળશે. 

આ પણ વાંચોઃ Gujarat Weather: આગામી ત્રણ કલાક વરસાદનું રેડ એલર્ટ જાહેર, આ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થશે


  • Follow us on: