રાજ્યની રાજધાની ગાંધીનગરમાં એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર 24 વિસ્તારમાંથી આજે એક મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક મહિલા પોલીસ અમદાવાદમાં ફરજ બજાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે, અને તુરંત જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ શરૂ
મૃતદેહ મળી આવવાની જાણકારી મળતાની સાથે જ ગાંધીનગર પોલીસની ટીમ તાત્કાલિક સેક્ટર 24 ખાતે પહોંચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ પણ બોલાવવામાં આવી હતી. FSL ટીમે મૃતદેહ અને આસપાસના વિસ્તારમાંથી જરૂરી પુરાવાઓ એકઠા કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે આ મામલે અકસ્માતે મોત કે આત્મહત્યા અથવા અન્ય કોઈ કારણ છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.













