ગુજરાતના એકમાત્ર વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ એવા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વધુ એક મોટો આર્થિક નિર્ણય લીધો છે.
વિદેશી દારૂ પરના વેટમાં સત્તાવાર રીતે મોટી રાહત
ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને ગિફ્ટ સિટીમાં પીરસવામાં આવતા વિદેશી દારૂ પરના વેટ માં સત્તાવાર રીતે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ નવા જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં 'વાઈન એન્ડ ડાઈન' ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ પીરસવામાં આવશે, તેના પર હવે વેટ લાગશે નહીં.
કાયદાકીય સુધારો પણ કર્યો
સરકારે આ રાહત આપવા માટે કાયદાકીય સુધારો પણ કર્યો છે. નાણાં વિભાગ દ્વારા ગુજરાત વેટ એક્ટ 2003 માં સુધારો કરીને નવી એન્ટ્રી નંબર 120 ઉમેરવામાં આવી છે. આ નવી જોગવાઈ હેઠળ, વેરાની રકમ 25 પૈસા કરતાં વધુ થાય ત્યાં સુધી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ નિયમો માત્રને માત્ર ગિફ્ટ સિટીની અધિકૃત 'વાઇન એન્ડ ડાઇન' ફેસિલિટી ધરાવતી હોટેલ્સ, ક્લબ અને રેસ્ટોરાં માટે જ લાગુ પડશે અને આ આદેશોનો તાત્કાલિક અસરથી અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે
નોંધનીય છે કે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારો, સીઈઓ અને વિદેશી પ્રતિનિધિઓની અવરજવર સતત રહે છે, જેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવા માટે અગાઉ સરકારે દારૂબંધીના નિયમોમાં શરતી છૂટછાટ આપી હતી. હવે ટેક્સના માળખામાં મોટી રાહત અપાતા ગિફ્ટ સિટીમાં બિઝનેસ નેટવર્કિંગ અને લાઈફસ્ટાઈલ વધુ આકર્ષક બનશે. જો કે, આ વેટ મુક્તિ ગિફ્ટ સિટીના નિયુક્ત એરિયા બહાર કે ગુજરાતના અન્ય ભાગો માટે લાગુ પડશે નહીં. સરકારના આ આર્થિક નિર્ણયને પગલે ગિફ્ટ સિટીના હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?