ગુજરાતમાં એક વર્ષ દરમિયાન વિવિધ બીમારીઓના કારણે કુલ 62 સિંહોના મોત થયા હોવાનું વિધાનસભામાં જણાવાયું છે. 31 જુલાઈ 2025ની સ્થિતિના આંકડા મુજબ મૃત્યુ પામેલા સિંહોમાં સૌથી વધુ 28 બાળ સિંહોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 નર અને 17 માદા સિંહોના પણ મોત થયા છે.

કયા રોગોના કારણે સિંહોના મોત થયા?

મૃત્યુ પામેલા સિંહોના પોસ્ટમોર્ટમ દરમિયાન વિવિધ ગંભીર બીમારીઓ સામે આવી હતી. તેમાં ન્યુમોનિયા, એનિમિયા, કિડની ફેલ્યોર, મલ્ટી ઓર્ગન ડિસફંક્શન, પેરાલિસિસ, એન્સેફાલિટિસ, નેફ્રોટિક એન્ટેરાઇટિસ, એન્ટેરાઇટિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર અને સેપ્ટિક શોક જેવા રોગોનો સમાવેશ થાય છે.

સિંહોના રક્ષણ માટે વન વિભાગની કામગીરી

સિંહોમાં રોગચાળો અટકાવવા માટે ડી-વોર્મિંગ અને ડી-ટિકિંગની કામગીરી કરવામાં આવે છે. નર્સિંગ ટ્રીટમેન્ટ ગામો તથા આસપાસના રેવન્યુ ગામોના નાળાઓને સેનિટાઇઝ કરવામાં આવે છે. સિંહોના બ્લડ સેમ્પલ લઇ લેબોરેટરીમાં પરીક્ષણ પણ કરવામાં આવે છે.

ક્વોરેન્ટાઇનથી લાયન એમ્બ્યુલન્સ સુધીની વ્યવસ્થા

બીમાર સિંહોને સારવાર માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે અને રેસ્ક્યુ સેન્ટરમાં તબીબી સારવાર આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ લાયન એમ્બ્યુલન્સની સુવિધા પણ કાર્યરત છે. સાબર, જામવાળા, જશાધાર, સક્કરબાગ અને સાસણગીર સહિતના વિસ્તારોમાં વન્યપ્રાણી સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રેકર્સ દ્વારા સતત નજર

સિંહોના સ્વાસ્થ્ય અને હલનચલન પર નજર રાખવા માટે ટ્રેકર્સ તથા વન વિભાગનો સ્ટાફ સતત અવલોકન કરે છે. જોકે, એક વર્ષમાં 62 સિંહોના મોત અને તેમાં 28 બાળ સિંહોના સમાવેશથી સિંહોના આરોગ્ય તથા રોગ નિયંત્રણની વ્યવસ્થા અંગે ચર્ચા તેજ બની છે.  


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં હવે 24 કલાક ધંધો કરી શકાશે, સ્વ-ઘોષણાથી ઓનલાઇન મંજૂરી, જાણો કાયદામાં શું થયો ફેરફાર


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ