ગુજરાત સરકારના મંત્રીઓ માટે પ્રવાસન અને સરકારી મુસાફરીને લઈને એક મોટા અને સુવિધાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રીઓ હવે રેલવે મુસાફરી દરમિયાન વધુ આરામદાયક અને લક્ઝુરિયસ સવલતોનો લાભ લઈ શકશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નોટિફિકેશન અનુસાર, હવેથી મંત્રીઓને દેશની પ્રીમિયમ અને સેમી-હાઈસ્પીડ ટ્રેનોના એક્ઝેક્યુટિવ ક્લાસ માં મુસાફરી કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
પ્રીમિયમ ગણાતા એક્ઝેક્યુટિવ ક્લાસમાં સફર કરી શકશે
નવા નિયમો મુજબ, મંત્રીઓ હવે વંદે ભારત ટ્રેન, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનોના સૌથી મોંઘા અને પ્રીમિયમ ગણાતા એક્ઝેક્યુટિવ ક્લાસમાં સફર કરી શકશે. સરકારી પ્રવાસ દરમિયાન મંત્રીઓની સુવિધા અને સમયની બચતને ધ્યાનમાં રાખીને વહીવટી વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સામાન્ય એસી કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી હતી
અગાઉના નિયમોની વાત કરીએ તો, મંત્રીઓને સત્તાવાર પ્રવાસ માટે ટ્રેનના માત્ર ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસ એટલે કે સામાન્ય એસી કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી મળતી હતી. પરંતુ બદલાતા સમય અને રેલવેના આધુનિકીકરણની સાથે રાજ્ય સરકારે પણ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનું નોટિફિકેશન જાહેર થતાં જ હવે મંત્રીઓ દેશની આ હાઈટેક ટ્રેનોની પ્રીમિયમ સુવિધાઓનો ઉપયોગ સત્તાવાર રીતે કરી શકશે, જેનો ખર્ચ સરકારી તિજોરી ભોગવશે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં મંત્રીઓના પ્રવાસ શિડ્યુલને વધુ ઝડપી બનાવવા માટે આ ક્લાસ અપગ્રેડેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ