મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.જેમાં નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી દવાઓ જેવી કે કોડીન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલપીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ-વેચાણને રોકવાના હેતુથી આ ડ્રાઈવ યોજાઈ હતી.


208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા ઉમેર્યું કે,આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.તેમાંથી હિસાબોમાં વિસંગતતા જણાતા 131 પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.જ્યારે ગંભીર નિયમભંગ બદલ ૭૨ પેઢીઓના વેપાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ-વેચાણ બંધ કરાવાયું છે.દવાઓની ગુણવત્તાના સચોટ મૂલ્યાંકન માટે તંત્ર દ્વારા 55 સેમ્પલ પણ લેબોરેટરી ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.

લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી

પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે.નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણદર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક વહીવટી કાર્યવાહી કરાશે.ગંભીર ગુનાના કિસ્સામાં આવી પેઢીઓ વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી કે કાનૂની પગલાં પણ ભરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું. 

આ પણ વાંચોઃ Anandના ઉમરેઠમાં મેગા ડિમોલિશન: નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરના દબાણો પર જેસીબી ફેરવ્યું



  • Follow us on: