દહેગામના પાટો ગામે ક્રૂડ ઓઇલ કંપની સામે ગ્રામજનોના વિરોધનો મામલો સામે આવ્યો છે. દહેગામના કડોદરા તાબેના પાટો ગામની ક્રૂડ ઓઇલ કંપની સામે ગ્રામજનોમાં વિરોધમાં ઉતર્યા છે. પ્રવાહી કેમિકલ શુદ્ધ કરતી કંપની પ્રદૂષિત હવા છોડતી હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય ઉપરાંત મામલતદારને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરાઈ હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે.


કંપની પ્રદૂષિત હવા છોડતા લોકો પરેશાન

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટો ગામે આવેલી એક ઓઇલ શુદ્ધ કરતી ફેક્ટરીમાંથી ઝેરી અને દુર્ગંધ યુક્ત પ્રદૂષિત હવા છોડાતા પાટો સહિત આસપાસના નાના-મોટા 12 જેટલા પેટાપરા તેમજ અન્ય ગામોના લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. આ કંપની દ્વારા ફરીથી પ્રદૂષિત હવા છોડવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોને માથું દુઃખવુ તથા શ્વાસ લેવામાં તકલીફ પડવી તેમાં પણ મોટી ઉંમરના વડીલો અને બાળકોની સ્થિતિ કફોડી બનતા તેઓ ત્રસ્ત થઈ થઈ ચૂક્યા છે.

ક્રૂડ ઓઇલ કંપની સામે ગ્રામજનોનો વિરોધ

થોડાક સમય અગાઉ આ પ્રશ્ન અંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સરપંચ અરવિંદસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ, તાલુકા પંચાયતના સદસ્ય ફકીરસિંહ ઝાલા સહિતના અગ્રણીઓને પાટો ખાતે બોલાવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. અને પંદર દિવસમાં ઉકેલ નહીં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમજ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, તેમ છતાં કંપની દ્વારા પ્રદૂષિત હવા છોડવાનું બંધ નહીં કરવામાં આવતા હવે ગ્રામજનો લડી લેવાના મૂડમાં જણાયા હતા. જેઓ ભેગા મળી ફેક્ટરી ખાતે પહોંચી ફેક્ટરીના માલિકને પ્રદૂષિત હવા બંધ કરવાની સૂચનાઓ આપી હતી. આગામી સમયમાં આ પ્રશ્નનો નિકાલ નહીં લવાય તો મોટું જન આંદોલન કરવાનું મન પણ બનાવ્યું હતું.

ફેક્ટરીના માલિકનું નિવેદન

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે આ અંગે ફેક્ટરીના માલિકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમની ફેક્ટરી ફ્રિઝન વિસ્તારમાં છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના તમામ એનઓસી સહિતના પ્રમાણપત્રો અને મંજૂરી મેળવી છે અમારી કંપનીમાં ગેરકાયદેસર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી વધુમાં તેમણે લોકો ને કોઈપણ પ્રકારની તકલીફ નામ પડે તે માટે નવી ટેકનોલોજી દ્વારા કામગીરી પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

  • Follow us on: