ત્રિપુરાના કુલ ૦૬ સભ્યોનું પીટીશન કમિટી પ્રતિનિધિ મંડળ આગામી તા.૧૮ નવેમ્બર, ૨૦૨૫ સુધી ગુજરાતના પ્રવાસે છે, જે અન્વયે આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીના જન ફરિયાદ નિવારણ ‘Swagat ઓનલાઈન પોર્ટલ’ની વિશે જાણી તેઓ ખૂબ પ્રભાવિત થયા
વિધાનસભા ખાતે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ત્રિપુરાના પીટીશન કમિટીના ૦૬ સભ્યોને વિધાનસભા ખાતે કાર્યરત વિવિધ કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી. રાજ્યમાં કાર્યરત પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે, ‘PMJAY’ યોજના, ‘નલ સે જલ’ યોજના, ‘PM સૂર્ય ઘર યોજના’ જેવી અનેક યોજનાઓને ગુજરાતમાં કેવી સુચારુ રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તેની વિધાનસભાના અધિકારીઓએ ત્રિપુરા કમિટીના સભ્યોને માહિતી આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીના જન ફરિયાદ નિવારણ ‘Swagat ઓનલાઈન પોર્ટલ’ની વિશે જાણી તેઓ ખૂબ પ્રભાવિત થયા.
પીટીશન કમિટીના સભ્યોને ગુજરાત વિધાનસભાના નિયમોની પુસ્તક અપાયા
વિધાનસભા મુલાકાત દરમિયાન ઉપસ્થિત પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્રની કામગીરી, મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ અને વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ વિશે અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબેન મહેતાએ પીટીશન કમિટીના સભ્યોને ગુજરાત વિધાનસભાના નિયમોની પુસ્તક આપી હતી. આ ઉપરાંત વિધાનસભાની વેબસાઈટ અંગે ખ્યાલ આપ્યો હતો.
ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ કરશે મુલાકાત
આ પ્રસંગે ત્રિપુરા પીટીશન કમિટીના અધ્યક્ષ અભિષેક દેબરોય તેમજ કુલ પાંચ સભ્યો શંભુલાલ ચાકમાં, અંતરા સરકાર ડેબ, નંદિતા ડેબબારમા, બિરાજિત સિન્હા, અશોકેચંદ્ર મિત્ર અને વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબેન મહેતા, નાયબ સચિવ દિનેશ ચૌધરી સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે પધાર્યું છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત કરશે.