ફટાકડા સ્ટોરમાં અભિપ્રાય આપવાની જે વિસંગતા સર્જાઇ હતી તે હવે દૂર થઇ ગઇ છે. હવેથી ફાયર સેફ્ટીનો અભિપ્રાય ફાયર ઓફિસર જ આપશે. જો કે સરકારની આ વિસંગતતા પહેલાં રાજ્યમાં મોટાપાયે અભિપ્રાય વગર જ ફટાકડાની દુકાનો ધમધમતી થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.
ફટાકડા સ્ટોર ના અભિપ્રાયની કામગીરી પોલીસને સોંપાઇ હતી
અગાઉ ફટાકડા સ્ટોર ના અભિપ્રાયની કામગીરી પોલીસને સોંપાઇ હતી જેથી વિવાદ સર્જાયો હતો. હવે રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કરી સ્પષ્ટતા કરી છે.
પોલીસને ફાયર સેફ્ટીની તપાસ સોંપાઇ હતી
ઉલ્લેખનિય છે કે દિવાળીના તહેવારોમાં ફટાકડાનું ધૂમ વેચાણ કરાય છે અને તાજેતરમાં સરકારના ગૃહ વિભાગે પરિપત્ર કર્યો હતો કે તમામ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે ફટાકડા સંબંધીત દુકાનોના પરવાના ઇસ્યુ કે રિન્યુ કે ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી માટે 500 ચોમી કરતા ઓછુ માપ ધરાવતી દુકાનો માટે નિયમાનુસાર એનઓસીનું ચેકલિસ્ટ મોકલી આપવામાં આવ્યું છે અને તેમણે તપાસ કરવાની હતી.
પોલીસે સરકારને પત્ર લખ્યો હતો
જો કે ફાયર સેફ્ટીની તપાસ પોલીસ કરે તે માટે પોલીસ ખાતામાં જ વિસંગતતા જોવા મળી હતી. આમ તો ફટાકડા સંબધિત ફાયર સેફ્ટીની ટેકનિકલ તપાસ માટે ચીફ ફાયર ઓફિસરને સત્તા આપેલી છે પણ પોલીસ પર આ જવાબદારી નાખવામાં આવી હતી. આ મામલે અમદાવાદના જેસીપી એનએન ચૌધરીએ રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો હતો કે ફાયર સેફ્ટીની તપાસની સત્તા ચીફ ફાયર ઓફિસરની છે.
હવે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો
પોલીસ વિભાગ તરફથી રાજ્ય સરકારને પત્ર લખાતા હવે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે જેમાં તમામ મ્યુનિસિપલ કમિશનરોને ફાયર વિભાગ દ્વારાજ લેખિતમાં અભિપ્રાય અપાય તેમ જણાવાયું છે. 500 ચો.મી.થી ઓછુ માપ ધરાવતી દુકાનો માટે નિયમોનુસાર એનઓસી આપવાનું ચેકલિસ્ટ મોકલી દેવાયું છે તેમ પરિપત્રમાં જણાવાયું છે.